ચેરમેન સંદેશ

શ્રી ધીરુભાઈ પટેલ

અરવલ્લી, સાબરકાંઠા અને આસપાસના જિલ્લાઓના જરૂરિયાતમંદ પરિવારોની આરોગ્ય લક્ષી સેવાઓ માટે અરવલ્લી જિલ્લાની વાત્રક હોસ્પિટલ સાચા અર્થમાં આજે આરોગ્ય ધામ બની છે. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય મંડળની સ્થાપના પૂર્વ કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને ગરવા ગુજરાતી એવા શ્રી કે. કે. શાહે કરી હતી. આજથી વર્ષો પહેલા માં વડોદરાના મહારાજા શ્રી ફતેસિંહરાવ ગાયકવાડે આપેલ ખૂબ વિશાળ જમીનની ઉદાર સખાવત સાથે બાયડ તાલુકાના વાત્રક ગામે હોસ્પિટલની શરૂઆત થઈ હતી. ભૂતકાળમાં તેના સંચાલનમાં અનેક મુશ્કેલીઓ હતી. એક સારી લોકઉપયોગી સંસ્થા બંધ થવાની અણી પર હતી. ત્યારે સ્વભાવે સાલસ, સૌજન્યશીલ અને ઓછાબોલા એવા વાત્રકના વહાલસોયા સંતાને તેના સંચાલનનું સુકાન સંભાળ્યું. તેઓએ ખૂબ જ જહેમત, સહયોગ અને ખંતથી અતિ પછાત વિસ્તારના વંચિતોને સારી આરોગ્ય સેવા મળે તેવું સ્થાપકનું સ્વપ્ન સાકાર કરી દેખાડ્યું. આ નિસ્વાર્થ સેવાભાવી વ્યક્તિ વિશેષ એટલે શ્રી ધીરુભાઈ પટેલ.

શ્રી ધીરુભાઈ પટેલની આત્મકથા "પરિશ્રમની પાંખે" એ સામાન્ય વ્યક્તિના અસામાન્ય પુરુષાર્થની ગાથા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં જાણીતા કટાર લેખક અને વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ ખૂબ ઓછા શબ્દોમાં શ્રી ધીરુભાઈ પટેલની સંઘર્ષભરી જીવનયાત્રાનો સુંદર પરિચય કરાવે છે. તો આવો આજે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાહેબના શબ્દોમાં જ આ વ્યક્તિવિશેષ શ્રી ધીરુભાઈ પટેલનો પરિચય મેળવીએ.

"પરિશ્રમની પાંખે" પુસ્તકની પ્રસ્તાવનામાં પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ નોંધે છે કે " સેવા કરવા માટે શાસક બનવું જરૂરી નથી. સેવા કરવા માટે ચૂંટણી લડવી જરૂરી નથી. સેવા કરવા માત્ર સત્તા જ જરૂરી નથી. સેવા કરવા માટે ધન-સંપત્તિની પણ જરૂર નથી. ગાંધીજીએ શાસક બન્યા વગર દેશની સેવા કરી. વિનોબા ભાવે એ પ્રધાન બન્યા વગર જ ભૂદાનની પ્રવૃત્તિ કરી. રવિશંકર મહારાજે અકિંચન રહીને સેવા કરી.

કશીયે અંગત લાલસા વિના ગરીબ અને છેવાડાના માણસોની સેવા કરનારી વ્યક્તિઓના જૂજ નામ છે. અને તેમાં ગૌરવપૂર્ણ લઈ શકાય તેવું એક નામ છે - ધીરુભાઈ વી. પટેલ.

M.Sc. થયેલા ધીરુભાઈ વી. પટેલ એ સાબરકાંઠા - હવે અરવલ્લીની પુણ્યભૂમિની પેદાશ છે. સાબરકાંઠા-અરવલ્લીએ જે અનેક સપૂતો પેદા કર્યા તેમાંના તેઓ એક છે. અત્યારે લોકો તેમને શ્રી કે. કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ સંચાલિત શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રકના ચેરમેન તરીકે ઓળખે છે. કોઈપણ સંસ્થા માત્ર ઈમારતોથી કે ધનથી ચાલતી નથી દરેક સંસ્થાની સફળતા પાછળ કોઈ એક સમર્પિત વ્યક્તિની સેવા હોય છે વાત્રકની આ હોસ્પિટલને ફરી એકવાર માનવસેવાની ઉત્કૃષ્ટ સંસ્થા બનાવી છે. તેની પાછળ ધીરુભાઈ પટેલની નિષ્ઠા અને સમર્પણની ભાવના જવાબદાર છે.

વાત્રક ખાતેની આ જનરલ હોસ્પિટલ એવા સમયે ઊભી થઈ જ્યારે આ વિસ્તારમાં તબીબી સારવારની શ્રેષ્ઠ સેવાઓની ઉણપ હતી. ધીરૂભાઇ પટેલે કેટલાય વર્ષો પહેલા પિતાજીને સારવાર માટે દાખલ કરાવવા હતા. તેમના પત્નીની પણ અહીં સારવાર થયેલી. પરંતુ જીવનની શ્રેષ્ઠ કારકિર્દી પછીના ઉત્તરાર્ધમાં આ હોસ્પિટલને જ્યારે કોઈ સમર્થ અને સમર્પિત વ્યક્તિની જરૂરિયાત હતી ત્યારે જ ધીરુભાઈ પટેલ તેની કમાન સંભાળી. શહેરથી દૂરના અંતરિયાળ વિસ્તારમાં એક નદીના કાંઠે આવેલી એક જાહેર ટ્રસ્ટની હોસ્પિટલ માટે તબીબો સાચવવા તથા દર્દીઓને નજીવા દરે તબીબી સેવાઓ આપવી તે એક કપરું કામ હતું.

પરિસ્થિતિ તો એવી હતી કે તેમણે આ હોસ્પિટલનું વ્યવસ્થાપન સંભાળ્યું ત્યારે હોસ્પિટલની હાલત કંગાળ હતી, કફોડી હતી. હોસ્પિટલમાં કૂતરાં ફરતા હતા, રાત્રે બિલાડા ફરતાં હતાં. હોસ્પિટલનો સીત્તેર નો સ્ટાફ નિરાશ અને હતાશ હતો. ક્યારેક તો ચાર જ ઇન્ડોર પેશન્ટ હોય. ઓપીડીમાં બાર જ દર્દી ડોક્ટરોમાં એક જનરલ સર્જન અને તેમની પાસે કોઈ કામ જ નહીં.

મૃત્યુની શૈયા પર સુતેલી વાત્રકની શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં પ્રાણ પૂરવાનું કામ ધીરૂભાઇ પટેલે કર્યું. પહેલા તેઓ હોસ્પિટલના પ્રશ્નો સમજ્યા પછી તેના ઉકેલના રસ્તા શોધી કાઢ્યા. જયાં જયાં અડચણો હતી ત્યાં ત્યાં તેઓએ મુશ્કેલીઓ દૂર કરવાની શરૂઆત કરી. એમ કરવામાં તેમને અનેક મુશ્કેલીઓ નડી, પરંતુ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને સ્વચ્છ વહીવટની યોજના કારણે તેમણે આ હોસ્પિટલને ફરી ધમધમતી કરી દીધી. ધીરુભાઈ પટેલના પ્રયાસથી હોસ્પિટલને ધીમે-ધીમે ડોક્ટરો પણ મળતા ગયા. દાનનો નવો પ્રવાસ શરૂ થયો. રાત દિવસના ઉજાગરા અને વારંવાર ગાંધીનગરના આંટાફેરાની મહેનત છેવટે રંગ લાવી.

ફરી એકવાર ગરીબ અને સામાન્ય પરિવાર માટેનું એક આરોગ્ય મંદિર પુનઃ પગભર થયું.જાણે કે તેમાં ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ. જાણે કે શૂન્યમાંથી ફરી સર્જન થયું ડોક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામી જેવા સાંસદ પણ આ હોસ્પિટલની મુલાકાતે આવ્યા. નોંધપાત્ર વાત એ છે કે ધીરૂભાઇ પટેલે સ્વચ્છ અને પારદર્શક વહીવટના જ આગ્રહી રહ્યા. એ કારણસર જ નવા દાતા હોય તેમની પર ભરોસો મૂકીને દાનનો પ્રવાહ વહેવડાવ્યો. ધીરુભાઈ પટેલના પ્રયાસોના કારણે વાત્રક ની હોસ્પિટલ ને હવે મેડિકલ કોલેજ પણ મળશે.

ધીરુભાઈ પટેલનું ગામ વસાદરા. કોઈ જમાનામાં રસ્તા વીજળીની સુવિધા વગરના આ નાનકડા ગામથી શરૂ થયેલી તેમની જીવન યાત્રા અનેક નાટયાત્મક પ્રસંગોથી ભરેલી છે. તેમનું જીવન સ્વયં એક નવલકથા છે. તેમની એ જીવનની શરૂઆતમાં અનેક તકલીફો વેઠીને M.Sc. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ નાના હતા ત્યારે બળદગાડું પણ ચલાવ્યું છે. બળદગાડું ચલાવતાં ચલાવતાં ખાડામાં પણ ગબડયાછે. કોલેજમાં મેથેમેટિક્સના લેક્ચરર તરીકે પણ સેવાઓ આપી છે. તેમનું ઘણું બધું જીવન વ્યવસાયિક જરૂરિયાતોના કારણે આણંદ વલ્લભવિદ્યાનગરમાં પસાર થયું. અહીં પણ તેમણે એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આમ જોવા જઈએ તો આણંદને જ તેમણે પોતાનું વતન બનાવી દીધું હતું. પરંતુ પોતાની માતૃભૂમિમાં આવેલી હોસ્પિટલ તેમને ફરી એકવાર વતનની સેવા માટે પાછા લઈ આવી.

જીવનકાળ દરમિયાન તેઓ પ્રવાસના શોખીન રહ્યા. નાના અંબાજી અને માઉન્ટ આબુ સુધી પદયાત્રા કરી. કશ્મીરનો પણ પ્રવાસ કર્યો. અમેરિકા પણ ગયા. દેશના અન્ય હિલ-સ્ટેશનો એ પણ ફર્યા અજંતા-ઇલોરાની ગુફાઓ પણ નિહાળી. ચારધામ યાત્રા પણ કરી. વિશ્વના અન્ય દેશોમાં પણ ફર્યા. આટલા બધા વિસ્તૃત પ્રવાસના કારણે તેમના વ્યક્તિત્વ સમજણ જ્ઞાન અને પ્રતિષ્ઠાને એક નવું જ સ્વરૂપ મળ્યું.

આજે ધીરુભાઈ પટેલ તેમના જીવનના શ્રેષ્ઠતમ ગૌરવપૂર્ણ શિખર પર છે. આ બધું જ તેમના અંગત લાભ માટે નહીં, પરંતુ લોક સેવા માટે જ હાંસલ કર્યું. તેનો મને વિશેષ આનંદ છે તેમનું શેષ જીવન પણ આવું જ ઉત્કૃષ્ટ રહે અને પ્રજાકીય સેવાના કામોમાં એવું વ્યસ્ત રહે તેવી અમારા જેવા તેમના મિત્રોની અભિલાષા છે ધીરુભાઈને લાંબા નીરોગી અને સુંદર જીવન માટે હૃદયથી શુભેચ્છાઓ."

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
Mobile No: +91 98 25 142620